વાંકાનેર તાલુકાના મીતાણા રોડ પર અરણીટીંબા ગામના બોર્ડ નજીક ગત મોડી રાત્રીના દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. જેમાં વાંકાનેરના પંચાસર ગામથી પરિવારજનો સાથે માલવાહક સુપર કેરી વાહનમાં અરણીટીંબા ગામ ખાતે તેમના બિમાર સંબંધીની મુલાકાતે જઈ રહ્યા હોય, ત્યારે વાહન રોડ નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં પંચાસર ગામના યુવાનનું કરૂણ મોત થયું હોવાની વિગતો મળી રહી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામનો વતની પરિવાર ગત મોડીરાત્રિના સુપર કેરી વાહનમાં અરણીટીંબા ગામે રહેતા સંબંધિને ત્યાં સંભાળ લેવા માટે ગયા હોય, જ્યાંથી પરત આવતી વેળાએ મિતાણા રોડ પર અરણીટીંબા ગામના બોર્ડ નજીક માલ વાહક વાહન નિયંત્રણ ગુમાવી રોડની નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાહનમાં પાછળ બેઠેલા નજરહુશેન અમીભાઈ ભોરણીયા (ઉ.વ. ૪૫, રહે. પંચાસર) નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જે તમામનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ અકસ્માતથી મૃતકના પરિવાર તથા પંચાસર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે….



