ભારે કરી…: તાલુકા પંચાયતના પ્રમુખ તથા ગામના સરપંચ દર વખત પોલીસને જાણ કરે પરંતુ પોલીસ કાંઇ કરતી નથી….
વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ ખાતે આવેલ હનુમાન મંદિરને તસ્કરોએ સતત ત્રીજી વખત નિશાન બનાવી ચોરીના બનાવને અંજામ આપી નાસી ગયા છે, જેની સામે દર વખતે ગામના સરપંચ તેમજ વાકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે, પરંતુ નિદ્રાધીન પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના ગંભીર આક્ષેપો બંને આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે ભગતશ્રી રાણીમાં-રૂડીમાના હનુમાનજી મંદિર ખાતે ગતરાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં હનુમાનજીની મુર્તિના ચાંદીના મુકુટની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવમાં ગામના સરપંચ જયુભા ઝાલા તથા તાલુકા પંચાયતના પ્રમુખ હરૂભા ઝાલા સાથે વાત કરતા બંને આગેવાનોએ અવારનવાર થતી આ ચોરીના બનાવનો દોષનો ટોપલો પોલીસ પર ઠાલવી પોલીસ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, આજ મંદિરમાં છેલ્લા નવ મહિના દરમિયાન આ ત્રીજો ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા હજુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ચોરને પકડવામાં ન આવતા ગતરાત્રિના ફરી મંદિરમાં તસ્કરો ત્રાટકી ચાંદીના મુકુટની ચોરી કરી નાસી છૂટ્યા છે. અવારનવાર એક જ મંદિરમાં ચોરીના બનાવ બાબતે તસ્કરો દ્વારા વાંકાનેરના પોલીસ તંત્રને ” રોક શકો તો રોક લો, પકડ શકો તો પકડ લો…” નો ખુલ્લો પડકાર ફેંકવામાં આવતું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે….