વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામની દીકરી આજે ગામના રહેવાસી આરોપી સાથે પ્રેમ લગ્ન કરી સરધારકા ગામની સીમમાં વાડીએ પત્ની તરીકે રહેતી હોય, જેમાં તેના પ્રેમીના અવારનવારના દુઃખ ત્રાસ અને ઝઘડાથી કંટાળી જઈ પોતે તથા બે વર્ષના માસુમ પુત્રને ઝેરી દવા પાઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતા મહિલાનું મોત થયું હતું, જ્યારે પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જે બાદ હાલ આ બનાવમાં મૃતક મહિલાના પિતાએ આરોપી પ્રેમી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં મરવા મજબૂર કરવા સબબ ગુનો નોંધાવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રસાભાઈ વેલાભાઈ ડભી (રહે. ગાંગીયાવદર)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી રમેશભાઈ ધરમશીભાઈ ધરજીયા (રહે. ગાંગીયાવદર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ તેમની પુત્રી સુખુ ઉર્ફે ભાવનાના લગ્ન વર્ષ ૨૦૧૭ માં શેખરડી ગામમાં કર્યા હોય, જ્યાંથી તેમની પુત્રી સુખુ પ્રેમી રમેશ સાથે ભાગી જઈ છેલ્લા ત્રણ વર્ષથી બંને લગ્ન કર્યા વગર પતિ-પત્ની તરીકે સાથે રહેતા હોય, દરમ્યાન સુખુએ બે વર્ષ પહેલાં પુત્ર કાર્તિકને જન્મ આપ્યો હતો. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી આરોપી રમેશ ફરિયાદીની દિકરીને અવારનવાર દુઃખ-ત્રાસ આપી અને ઝઘડાઓ કરી પરેશાન કરતો હોય,
જેનાથી કંટાળી જઇ ગઇકાલે સરધારકા ગામની સીમમાં ફરિયાદીની દિકરીએ પોતે અને તેના વ્હાલસોયા પુત્ર કાર્તિકને ઝેરી દવા પીવડાવી આપઘાત કરવાનો પ્રયાસ કરાતાં ફરીયાદીની દિકરીનું અવસાન થયું હતું, જ્યારે પુત્ર કાર્તિકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય, જેથી હાલ આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રમેશ વિરુદ્ધ મહિલાને મરવા મજબૂર કરવા સબબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….