વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા અનુસૂચિત જાતિ સમાજના યુવાનને રસ્તામાં રોકી ‘ તને બહુ હવા છે ? ‘ તેમ કહી રાતીદેવરી ગામના જ દસ ઇસમોએ ગામના મંદિર પાસે હિંસક હુમલો કરી ફરિયાદી તથા તેના ભાઇને બેફામ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા ફરિયાદી ભરતભાઇ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ ઉર્ફે વિપુલભાઈ વોરા (ઉ.વ. 24) નામના યુવાને આરોપી ૧). ભગાભાઇ ઘોધાભાઇ ભરવાડ, ૨). ભુપતભાઇ વિભાભાઇ ભરવાડ, ૩). હીતેષભાઇ કરશનભાઇ ભરવાડ, ૪). પાચાભાઇ છનાભાઇ ભરવાડ, ૫). જયેશભાઇ કરશનભાઇ ભરવાડ, ૬). અનીલભાઇ છનાભાઇ ભરવાડ, ૭). મેઘાભાઇ વીરજીભાઇ ભરવાડ, ૮). જીલાભાઇ વીરજીભાઇ ભરવાડ, ૯). વિભાભાઇ હકાભાઇ ભરવાડ અને ૧૦). છનાભાઇ ધારાભાઇ ભરવાડ (રહે. બધા રાતીદેવરી) સામે ફરિયાદ નોંધાવી છે કે,
ફરિયાદ સીએનજી રીક્ષામાં જડેશ્વરથી રાતીદેવરી આવી રહ્યો હોય, ત્યારે રસ્તામાં આરોપી ભગાભાઈ ભરવાડએ ફરિયાદીને રોકી ‘ તને બહુ હવા છે ? તું ગામના હનુમાન મંદિર પાસે ભેગો થા તને જોઈ લવ ‘ તેમ કહી નિકળી જઇ બાદમાં રાતીદેવરી ગામના હનુમાનજીના મંદિર પાસે ઉપરોક્ત તમામ આરોપીઓએ ફરિયાદીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કરી ધોકા, કુંડલીવાળી લાકડી, પાઇપ, તલવાર અને હાથમાં પહેરેલ કડલા વડે હુમલો કરી માર માર્યો હોય, જે બાદ ફરિયાદીના ભાઈ દેવજીભાઈ પર પણ આરોપીઓએ હુમલો કરી ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચાડતા બંને ભાઇઓને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એન્ટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..