ચોરીના આક્ષેપથી લાગી આવતાં યુવાને આપઘાત કરી લીધો, પરિવારજનોની લાંબી લડત બાદ અંતે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો….
વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટી ખાતે રહેતા એક યુવાને 20 દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોય, જે બનાવમાં મૃતક યુવાનને ચાર ઈસમો દ્વારા મોબાઈલ ચોરીની આશંકાએ ઢોર માર મારી દુઃખ ત્રાસ આપવામાં આવેલ હોય, જેના કારણે લાગી આવતા યુવાને આપઘાત કરી લેતા આ મામલે પરિવારજનોની લાંબી લડત બાદ અંતે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં નવજીવન સોસાયટી ખાતે રહેતા ભાવેશભાઈ રમેશભાઈ દલસાણીયા નામના યુવાને ગત તા. 3 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોય, જેમાં પરિવારજનોની ઊંડી તપાસમાં મૃતક યુવાનને આરોપી ૧). નરેશભાઈ ડાયાભાઈ ચાવડા, ૨). અભિભાઈ નરેશભાઈ ચાવડા, ૩). નરેશભાઈનો બીજો દીકરો (રહે. ત્રણેય શિવાજીપાર્ક, વાંકાનેર) તથા નરેશભાઈના બનેવી દિનેશભાઈનો દીકરો (રહે. શાંતિવન સોસાયટી, વાંકાનેર) એમ ચારેય ઇસમોએ મળી મોબાઈલ ચોરીની આશંકાએ,
ગાળો આપી ઢીકાપાટુનો મૂઢમાર મારી મોબાઇલ પરત આપવા દુઃખ ત્રાસ આપતા અંતે કંટાળી યુવાને આપઘાત કરી લીધો હોય, જે મામલે મૃતક યુવાનના પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી સાથે લાંબા સમયથી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા માટે લડત ચલાવવામાં આવતી હોય, જે બાદ અંતે આ બનાવમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ ૧૦૮, ૧૧૫(૨), ૩૫૧(૧), ૩૫૨ તથા ૫૪ મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….