વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ એક ડેમમાં વર્તમાન ચોમાસાની સિઝનમાં લગભગ નહીંવત્ પાણીની આવક નોંધાઇ હોવાના કારણે સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું હોય, ત્યારે આજે સમગ્ર વાંકાનેર પંથકમાં મેઘરાજા મહેરબાન બની સવારથી અમી કૃપા વરસાવી રહ્યા છે, જેના કારણે સિઝનમાં સૌપ્રથમ વખત મચ્છુ 1 ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સાઇટ પર આજે સવારથી મેઘરાજા મહેરબાન થઇ વરસી રહ્યા છે, જેમાં બપોરે ચાર વાગ્યા સુધીમાં ડેમ સાઇટ પર 83 મીમી એટલે કે 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે હાલ મચ્છુ 1 ડેમમાં ચાર વાગ્યાથી ધીમીધારે પાણીની આવક શરૂ થઇ છે. હાલ ડેમમાં 1158 ક્યૂસેક પાણીની આવક શરૂ થઇ છે, જેમાં વધારો થવાની સંભાવના દેખાઇ રહી છે.
મચ્છુ 1 ડેમની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હાલ ડેમની કુલ 49 ફુટ સપાટીમાંથી 22.40 ફુટ પાણીનો સંગ્રહ થયેલ છે, જે વાંકાનેર વિસ્તારની જરૂરીયાત સામે લગભગ નહીંવત્ સંગ્રહ ગણી શકાય. જેમાં તાજેતરમાં જ મચ્છુ ડેમમાં ધીમીધારે નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી હતી, જે બાદ હાલ ડેમમાં પ્રથમ વખત વરસાદી પાણીની આવક શરૂ થયેલ છે….