
વાંકાનેર તાલુકાના તિથવા ગામે તળાવને ઊંડું ઉતારવાના અને માટી કાઢવાના કામ બાબતે મોટો વિવાદ સર્જાયો છે, જેમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે આ મુદ્દે ચર્ચા કરવા એકત્ર થયેલા લોકો વચ્ચે મામલો બિચકતાં મારામારી સર્જાઈ હતી, જેમાં સરપંચને ફડાકા ઝીંકી દેવામાં આવ્યા હતા. આ મામલે વાંકાનેર પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે, જેમાં સામા પક્ષ દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે….

સરપંચની ફરિયાદ : કામનો કોન્ટ્રાક્ટ માંગતા શખ્સોએ હુમલો કર્યો…
વાંકાનેર તાલુકાના તિથવા ગામના સરપંચ ઇસ્માઇલભાઈ આહમદભાઈ પરાસરા (ઉ.વ.૬૫) દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). મનુભાઇ વશરામભાઇ વાઘેલા, ૨). મયુર મનુભાઇ વાઘેલા (રહે બન્ને હાલ વાંકાનેર, મુળ રહે તીથવા), ૩). અમૃત વીરજીભાઇ વાઘેલા, ૪). અશ્વીન જયંતિભાઇ વાઘેલા અને ૫). રણજીતભાઇ અમૃતભાઇ વાઘેલા (રહે. બધા તીથવા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તિથવા ગામના ‘કુંડલીના ખારા’ તરીકે ઓળખાતા તળાવને ઊંડું ઉતારવાનું કામ મંજૂર થયું હોય,

જેમાં આરોપીઓ આ કામનો કોન્ટ્રાક્ટ મેળવવા ઇચ્છતા હોય અને દાવો કર્યો હતો કે, ગ્રાન્ટ તેમણે મંજૂર કરાવી હોવાથી કામ તેમને જ મળવું જોઈએ. ત્યારે આ મામલે સરપંચે મિટિંગ બોલાવી સ્પષ્ટતા કરી કે, આ કામ ખેડૂતોના હિતમાં થશે અને તળાવનો કાપ (માટી) ગામના ખેડૂતોને જ આપવામાં આવશે. આ સાંભળી ઉશ્કેરાયેલા આરોપીઓએ સરપંચને ફડાકા મારી દીધા હતા અને છોડાવવા વચ્ચે પડેલા સાહેદ શૌક્તરજા તથા મુબિનભાઈને ઢીકા-પાટુનો માર માર્યો હતો….

સામા પક્ષની ક્રોસ ફરિયાદ : જાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યાનો આક્ષેપ…
આ જ બનાવમાં સામા પક્ષે ફરિયાદી મનુભાઈ વસરામભાઈ વાઘેલા (ઉ.વ. ૬૮, રહે. હાલ વાંકાનેર, મૂળ તિથવા)એ આરોપી ૧). ઇસ્માઇલભાઇ પરાસરા તીથવા ગામના સરપંચ, ૨). અબ્દુલભાઇ તીથવા ગામના ઉપસરપંચ, ૩). અહેમદહુશેન પરાસરા, ૪). મુબીન હુશેન પરાસરા, ૫). કે. પી. પરાસરા, ૬). તીથવા ગ્રામપંચાયતના બોડીના ચાર સભ્યો નામ નમુદ નથી અને ૭). બીજા અજાણ્યા ચાર થી પાંચ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અને તેમના પુત્ર મયુરભાઈ ગ્રામ પંચાયત ખાતે તળાવની માટી ખોદવા બાબતે ચર્ચા કરવા માટે ગયા હોય ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને “તમારી જ્ઞાતિને કામ નથી આપવું” તેમ કહી ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન ફરિયાદીનો મોબાઈલ ફોન અને સોનાનો ચેન પડી ગયા હોવાનું જણાવાયું છે. તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી…

આ ગંભીર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધીને હુમલો, રાયોટીંગ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



