વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક બેફામ દોડતા જેસીબી ચાલકે સીએનજી રીક્ષાને અડફેટે લેતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી, જેમાં રીક્ષામાં સવાર એક મહિલાનું ગંભીર ઈજાઓ પહોંચવાથી મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા કાનાભાઇ નાગજીભાઇ ચાવડા (ઉ.વ. ૨૨) પોતાની સીએનજી રીક્ષા લઈને પરિવારજનો સાથે વાંકાનેર-થાન ચોકડી પાસે આવેલ હેમ પેઇન્ટ કારખાનેથી પોતાના ગામ કોઠી તરફ પરત ફરી રહ્યા હોય દરમિયાન જોધપર ગામ નજીક ખારી પુલ પાસે નવા બનતા પેટ્રોલ પંપ સામે હાઇવે પરથી પસાર થતી વખતે કાળ બનીને આવતા જેસીબી વાહન નં. GJ-13-AD-2109 ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવીને રીક્ષાને સાઇડમાંથી જોરદાર ટક્કર મારતાં રીક્ષા હાઇવે પર જ પલ્ટી ખાઈ ગઈ હતી….

આ અકસ્માતમાં રીક્ષામાં સવાર ફરીયાદી કાનાભાઈના બહેન રેખાબેનને માથાના અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે સાહેદ સોનલબેનને શરીરે ફ્રેક્ચર તથા ફરીયાદી કાનાભાઈ, કૌટુંબિક બહેન આરતીબેન અને માનસીબેનને શરીરે નાની-મોટી મૂઢ ઈજાઓ પહોંચી છે, જેથી આ મામલે કાનાભાઇ ચાવડાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે જેસીબી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





