વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં સસ્તા અનાજની દુકાન ચોકમાં બે દિવસ પુર્વે રાત્રીના તાજી જન્મેલી નવજાત બાળકીને બિનવારસી હાલતમાં તરછોડી દેવાની હચમચાવી દેનારી ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રખડતા પ્રાણીઓએ ફાળી ખાધેલી અત્યંત ગંભીર હાલતમાં મળી આવેલી આ માસૂમ બાળકીના કેસમાં વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ઇસમ (નિર્દયી માતા-પિતા કે અન્ય સંડોવાયેલ વ્યક્તિ) વિરુદ્ધ સત્તાવાર રીતે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે…..


વાંકાનેરના અરણીટીંબા ગામમાંથી બિનવારસી હાલતમાં નવજાત બાળકી મળી આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા પારખીને વાંકાનેર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મામલે પોલીસે કાયદાની કલમો હેઠળ પોતાના જ બાળકને નિરાધાર છોડી દેવા અને તેના જીવને જોખમમાં મૂકવા બદલ અજાણ્યા શખ્સ સામે ગામના અગ્રણી ઇરફાનભાઇ હબીબભાઇ કડીવારએ ફરિયાદી બની ગુનો નોંધાવ્યો છે…
પોલીસ દ્વારા આસપાસના તમામ ગામડાઓમાં અને વાંકાનેર શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા થોડા દિવસોમાં થયેલી પ્રસૂતિઓના રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ગામડાઓમાં ફરજ બજાવતી આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરો પાસેથી પણ સગર્ભા મહિલાઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. રસ્તા પર આવતા-જતા માર્ગોના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી આ શરમજનક ઘટનાને અંજામ આપનાર સુધી વહેલી તકે પહોંચી શકાય. આ ઘટનાથી વાંકાનેર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને આવી કઠોરતા દાખવનાર અજાણ્યા ઇસમોને ઝડપીને દાખલારૂપ સજા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



