
સર્વિસ રોડ પર સતત ટ્રાફિકથી ગ્રામજનોને ગામમાં આવવા-જવામાં ભારે હાલાકી : સત્વરે બ્રિજ શરૂ કરવા ઉગ્ર માંગ….
વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક નેશનલ હાઇવે પર ઓથોરિટી દ્વારા ચાલી રહેલી ઓવરબ્રિજની મેન્ટેનન્સ કામગીરીની ધીમી ગતિથી કંટાળીને આજે સવારે સ્થાનિક ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને હાઇવે ચક્કાજામ કર્યો હતો. તંત્રની ઢીલી નીતિને કારણે છેલ્લા પંદર દિવસથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે આજે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો….


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જોધપર ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર વાંકાનેરથી બાઉન્ડ્રી તરફ જતા માર્ગ પર આવેલા જોધપર તથા મહીકા ઓવરબ્રિજનું હાઇવે ઓથોરિટી દ્વારા સમારકામ ચાલી રહ્યું છે. આ કામગીરીના કારણે છેલ્લા ૧૫ દિવસથી બંને જગ્યાએ હાઇવેની એક લેન સદંતર બંધ કરી દેવામાં આવી છે. પરિણામે, હાઇવેનો તમામ ભારે અને હળવો ટ્રાફિક ગામના સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાઇવેનો ટ્રાફિક ડાયવર્ટ થવાના કારણે ગામના સર્વિસ રોડ પર આખો દિવસ વાહનોની લાંબી કતારો જોવા મળે છે અને સતત ટ્રાફિક જામની સમસ્યા રહે છે. આ પરિસ્થિતિના કારણે જોધપરના નાગરિકોને પોતાના જ ગામમાં અંદર આવવા કે બહાર જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહનોના ધસારા વચ્ચે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે….
છેલ્લા પંદર દિવસથી પડતી આ મુશ્કેલી હાઇવે ઓથોરિટીની અત્યંત ધીમી કામગીરીથી ત્રસ્ત થઈને આજરોજ સવારથી જ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગ્રામજનોએ હાઇવેનો સર્વિસ રોડ બંધ કરી દીધો હતો અને ચક્કાજામ સર્જીને ધીમી કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા ગ્રામજનોની માંગ છે કે, ઓવરબ્રિજનું મેન્ટેનન્સ કાર્ય યુદ્ધના ધોરણે ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે બ્રિજ વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવે, જેથી સ્થાનિક લોકોને પડતી રોજિંદી હાલાકીનો અંત આવે. તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન થાય તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



