
વાંકાનેર શહેરના જડેશ્વર રોડ પેડક નજીક ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે રોડ ઉપરથી પસાર થતી એક હ્યુન્ડાઈ કંપનીની વરના કાર આજરોજ મંગળવારે રાત્રીના સમયે અચાનક આગની ઝપટમાં આવી જતાં કાર અગનગોળો બની હતી, જો કે સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના જડેશ્વર રોડ પેડક નજીક ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી વરના કારમાં અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી, જેથી કારમાં સવાર પાંચ લોકોએ સમયસુચકતા દાખવી કાર ઉભી રાખી તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી જતા તમામનો આબાદ બચાવ થયો હતો. જે બાદ થોડી જ મિનિટોમાં કાર સંપૂર્ણ રીતે આગમાં ઘેરાઈ ગઈ હતી, જેને કારણે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી….
ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ફાયરબ્રિગેડની ટીમ મોડેથી પહોંચતાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જે બાદ ફાયર ટીમે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ કાર સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે….




