વર્તમાન શિયાળાની ઋતુમાં છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં ઠંડીથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે, ત્યારે માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્રને જીવનનો આધાર બનાવી ગરીબ, જરૂરિયાતમંદો તેમજ નિરાધાર લોકોની સેવા કરતાં ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર દ્વારા વાંકાનેર તથા કુવાડવા પંથકમાં વર્તમાન શિયાળાની કડકડતી ઠંડીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સ્વયંસેવકો સાથે મળીને જરૂરિયાત મંદોમાં ધાબળા વિતરણ કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે….

આ તકે વાંકાનેર પંથકમાં ઠંડીમાં ઠુંઠવાતા જરૂરિયાતમંદોને ધાબળા પહોંચાડવા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર મિત્ર મંડળ , વેલનાથ મંડળ, શ્રી ગઢિયા હનુમાનજી મિત્ર મંડળ, શ્રી બ્રહ્મસેના, શ્રી પરશુરામ યુવક મંડળ સહિત અનેક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે સેવાનું સંકલન કરી તેમજ કુવાડવા વિસ્તારમાં દેવિકા મહિલા મંડળ, બાલાજી ગ્રુપ, મોજીલો ડાયરો ગ્રુપ, સીતારામ ગ્રુપ સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ મારફતે જરૂરિયાતમંદો સુધી ધાબળા રૂપી હુફ પહોંચાડવામાં આવી હતી….
આ સેવાના ભગીરથ કાર્યોમાં હરહંમેશ જરૂરિયાતમંદો સુધી ધાબળા પહોંચાડનાર સમાજના શ્રેષ્ઠીઓનું શૈલેષભાઈ ઠક્કર દ્વારા સાલ તથા ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર દ્વારા શિયાળામાં ધાબળા વિતરણ તેમજ ઉનાળામાં પાણીના પરબ તથા તડકાથી રાહત મળે તે માટે ટોપીઓ વિતરણ, છાશ વિતરણ સાથે અબોલ પક્ષીઓને ચણ, ગાયોને ઘાસચારો, ગરીબોને અનાજની કીટ સહિત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાના ભગીરથ કાર્યો સમાજ માટે રાહ ચીંધનાર બને છે….





