
વાંકાનેર નગરપાલિકા દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત વાંકાનેરના ઉદ્દેશ સાથે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે સંદર્ભે શહેરમાં જાહેર સ્થળોએ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી….


વાંકાનેર નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી નિયમોનો ભંગ કરતા એકમો સામે કડક પગલાં લઇ કુલ રૂ. ૪૬૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ તકે પાલીકાની ટીમ દ્વારા દુકાનદારો અને વેપારીઓને જાહેરમાં ગંદકી ન કરવા, કચરો નિર્ધારિત જગ્યાએ જ નાંખવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે અપીલ કરી હતી. સાથે જ, ભવિષ્યમાં પણ આવા નિયમ ભંગ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી હતી…




