
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના વતની મનસુખભાઈ પોલાભાઈ બેડવા છેલ્લા 15 વર્ષથી નિઃસ્વાર્થ સમાજસેવાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ છેલ્લા પંદર વર્ષથી માનસિક રીતે અસ્થિર અને રસ્તે રઝળતા નિરાધાર લોકોને સ્વખર્ચે નિયમિત નિઃશુલ્ક ભોજન પૂરું પાડી રહ્યા છે…
મનસુખભાઈ દરરોજ સાંજે પોતાની બાઇક પર 50થી વધુ લોકો માટે શાક, રોટલી, દાળ, ભાત અને છાશ સહિતની ખાદ્ય સામગ્રી લઈને નીકળે છે. તેઓ હાઇવેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત સુધી ફરીને આ માનસિક અસ્થિર લોકોને શોધી તેમને પ્રેમથી જમાડે છે. માત્ર ભોજન જ નહીં પરંતુ માનવિય વ્યવહાર, સહાનુભૂતિ અને આત્મિયતા સાથે તેઓ આ લોકોને માન-સન્માન આપીને સેવા કરે છે.


ખાસ વાત એ છે કે આ સમગ્ર સેવા કાર્ય મનસુખભાઈ પોતાના સ્વખર્ચે અને કોઈપણ પ્રચાર વિના કરી રહ્યા છે. ન તો કોઈ સંસ્થા, ન તો કોઈ સરકારી સહાય—માત્ર માનવતા અને કરુણાના ભાવથી પ્રેરિત થઈ તેઓ આ કાર્ય અવિરત રીતે આગળ ધપાવી રહ્યા છે. તેમની આ સેવાથી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાઈ રહ્યો છે અને અન્ય લોકોને પણ સમાજસેવા માટે પ્રેરણા મળી રહી છે.





