
વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામના યુવાનને લગ્ન માટે પૈસાની જરૂર પડતાં તેણે પોતાના મિત્ર અને અન્ય એક ઇસમ પાસેથી 10% પ્રતિમાસ જેટલા ઊંચા વ્યાજે 11 લાખની રકમ લીધેલ હોય, જેની સામે 12.70 લાખની ચુકવણી કર્યા બાદ પણ બંને વ્યાજખોરોએ યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે રહેતા ફરીયાદી દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી મહેશ્વરી મકવાણા અને આકાશ ગલાભાઇ પરમાર (રહે. બંને મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને ધંધામાં નુકશાની જતા નાણાકીય તંગી સર્જાઇ હોય, જેમાં ફેબ્રુઆરી-૨૦૨૫ માં પોતાના લગ્ન સમયે રૂપિયાની જરૂર પડતાં મિત્ર આરોપી મહેશ્વરી મકવાણા પાસેથી ફરીયાદીએ રૂ. ૬,૦૦,૦૦૦ પ્રતિ માસ ૧૦ ટકા ઉંચા વ્યાજે લીધા હોય, જે બાદ મે-૨૦૨૫ માં ફરીયાદીને વધુ નાણાંની જરૂર પડતાં મહેશ્વરી મકવાણાનો સંપર્ક કરતા તેણે પોતાની પાસે રૂપિયા ન હોવાનું જણાવી અન્ય વ્યક્તિ પાસેથી સગવડ કરાવવાની વાત કરી હતી.

જેના અનુસંધાને ફરીયાદીનો પરિચય આરોપી આકાશ ગલાભાઈ પરમાર સાથે કરાવતા ફરિયાદીએ તેની પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- પ્રતિમાસ ૧૦ ટકા વ્યાજે લીધા હોય, જેની સામે આરોપીઓએ ફરીયાદીની થાર ગાડીનું નોટરી લખાણ કરાવી લઈ ઓરિજિનલ આર.સી.બુક પોતાની પાસે રાખી લીધી હતી.

જે બાદ અત્યાર સુધીમાં ફરિયાદીએ લીધેલ કુલ રૂ.૧૧,૦૦,૦૦૦ ની રકમ સામે રૂ.૧૨,૭૦,૦૦૦ જેટલી રકમ ચૂકવી આપી હોવા છતાં આરોપીઓ દ્વારા અવારનવાર વ્યાજની ઉઘરાણી માટે ગાળો તથા ખોટી ધાકધમકી આપી તેમજ બળજબરીથી વધુ રકમ વસૂલવા પઠાણી ઉઘરાણી કરતાં હોય, જેથી આ મામલે ફરિયાદીએ બંને વ્યાજખોરો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…



