
પોલીસ તંત્ર મુક પ્રેક્ષકની ભુમિકામાં, ગ્રામ્ય ખનીજ માફીયાઓ સામે નિઃસહાય ; અવારનવાર અકસ્માતો તેમજ ગ્રામજનો પર હુમલા સહિતના વધતાં બનાવો…

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ખનીજ માફીઆઓનો ત્રાસ અસહ્ય બન્યો છે, જેની સામે ગ્રામજનો નિઃસહાય બની ગયા છે. અવારનવાર પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગને રજૂઆતો કરવામાં આવી હોય છતાં હપ્તા રાજમાં આજ સુધીમાં એક પણ જવાબદાર તંત્રના અધિકારીએ ખનીજ માફીઆઓ સામે યોગ્ય કડક કાર્યવાહી ન કરતાં ખનીજ માફીઆઓ બેફામ બની અવારનવાર ગ્રામજનો સાથે તકરારો સર્જી, માર મારી, અકસ્માતો કરી રહ્યા છે. જે મામલે વધુ એક વખત ગામના યુવાન પર ખનીજ માફીયાઓએ હુમલો કરી માર મારવાનો બનાવ સામે આવ્યો છે….


આ મામલે ફરીયાદી વિવેકભાઈ વિનુભાઈ કેશાભાઈ ભુસડીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ત્રણ-ચાર દિવસ પહેલા ઓવરલોડેડ ડમ્પર ચાલકે તેમના નાનીને હડફેટે લીધા હોય, જેથી ડમ્પર માલીક આરોપી લોમકુભાઈ કાઠી સાથે ફરિયાદીને બોલાચાલી થયેલી હોય, જે વાતનો ખાર રાખી ફરીયાદી વિવેકભાઈ અને તેમનો ભાઈ રિક્ષામાં મોરબી જઈ રહ્યા હોય,

દરમિયાન રસ્તામાં આરોપી ૧). લોમકુભાઈ કાઠી, ૨). કાળુભાઈ કાઠી (રહે. બંને મેસરીયા), ૩). હરેશભાઈ (રહે. રંગપર), ૪). દોલુભાઈ અને ૫). એક અજાણ્યો ઈસમ બોલેરો ગાડીમાં આવી ફરીયાદીને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે આડેધડ મારમારી ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ રાબેતા મુજબ ગુનો નોંધી કહેવા પુરતી કામગીરી હાથ ધરી છે….



