
વાંકાનેર-મોરબી હાઇવે પર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ નજીક રાત્રીના સમયે પસાર થતા એક બાઇક સામે રોંગ સાઈડમાં આવતા અન્ય બાઇક ચાલકે ધડાકાભેર બાઇક અથડાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવાનોને પણ ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રાહુલ મનુભાઈ વોરા (ઉ.વ. ૧૯, રહે. રાતીદેવરી) એ વાંકાનેર તાલુકા પોલીસમાં હિરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 36 AA 3561 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી બંધુનગર નજીક આવેલ સીએનજી પંપમાં નોકરી કરતા હોય, જેમાં ગત તા. ૦૭ની રાત્રીના ફરિયાદી તથા સહકર્મચારી કેતન ખીમાભાઈ રાઠોડ તેમનું બાઇક લઈને ટોલનાકા નજીક હોટલમાંથી નાસ્તો લઈને પરત ફરતા હોય,

ત્યારે વાંકાનેર-મોરબી હાઇવે પર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ પાસે કિષ્ના પેટ્રોલપંપ સામે રોંગ સાઈડમાં પુર ઝડપે આવતા ઉપરોક્ત બાઇકના ચાલકે તેમના ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાવતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલક કેતનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જ્યારે ફરિયાદી અને સામા બાઇક ચાલકને પણ ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં રોંગ સાઈડમાં બાઇક ચલાવી અકસ્માત સર્જનાર બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે….



