વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર બ્રિજ નિચે સર્વિસ રોડ ખાતેથી પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં બાઇકમાં સવાર એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવાનોને પણ ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર હસનપર બ્રિજ નિચે સર્વિસ રોડ પરથી પસાર થતા એક ત્રિપલ સવારી બાઇક નં. GJ 36 AH 4310 ને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક સવાર રાહુલભાઈ રમેશભાઈ વાઘાણી (ઉ.વ.૨૫, રહે. પાનેલી, તા.જી. મોરબી)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે બાઇકમાં સવાર ભરતભાઈ અને વિજય ઉર્ફે કિશન નામના યુવાનોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે…

ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ટ્રેક્ટર સહિત ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. જેથી ઘટના સ્થળેથી મળેલા પુરાવા અને સાક્ષીઓના આધારે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ટ્રેક્ટરની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા હાલ આ બનાવમાં મૃતક યુવાનના ભાઇની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે…



