વિવાદ વચ્ચે ત્રણ યુવાનોએ ઝેરી દવા ગટગટાવી જતા મામલો બિચક્યો, એકનું મોત થયા બાદ અંતે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો…
વાંકાનેર તાલુકાના મહિકા ગામે મચ્છુ નદી કાંઠે રેતીની લીઝ ધારકો અને બાજુમાં વાડી ધરાવતા ખેડૂત વચ્ચે છેલ્લા એક મહિનાથી રસ્તા બાબતે મનદુઃખ ચાલતું હોય, જેમાં ગત બુધવારે બપોરે લીઝ ધારકો સ્થળ પર પહોંચી જમીન ખાલી કરવા દબાણ કરતાં ત્રણ ખેડૂત પુત્રોએ એકસાથે ઝેરી દવા ગટગટાવી લેતાં ચકચાર મચી હોય, જેમાં સારવાર દરમ્યાન એક યુવાનનું મોત થતાં સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોય, જે બાદ આજે આ મામલે પાંચ ઇસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયા (ઉ.વ. ૫૩, રહે. મહીકાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). ગોબરભાઈ ભરવાડ (રહે. સમઢીયાળા), ૨). વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા (રહે. કોઠી), ૩). વિઠ્ઠલભાઈનો દિકરો ભરતભાઈ (રહે. કોઠી), ૪). હનિફભાઈ (રહે. મહિકા) અને ૫). હેમેશભાઈ પટેલ (રહે. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી હેમેશભાઈને મહીકા ગામે મચ્છુ નદીના કાંઠે રેતીની લીઝ મંજૂર થયેલ હોય, જ્યાં ફરીયાદીની વાડી આવેલ હોય જેના રસ્તા બાબતે મનદુખ ચાલતુ હોય,

દરમ્યાન બુધવારે બપોરે ફરિયાદીના પુત્ર કલ્પેશ વિનોદભાઈ બાંભણિયા (ઉ.વ.૨૩) અને વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉ.વ.૨૦) અને ભાઇનો દિકરો યશ હરિભાઈ બાંભણીયા (ઉ.વ.૨૦) સ્થળ પર હાજર હોય ત્યારે આરોપીઓ વાડીએ લોડર તથા કાર લઈ આવી બોલાચાલી કરી જગ્યા ખાલી કરવા માટે દબાણ કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલ ત્રણેય યુવાનોએ વાડામાં પડેલ રીંગણીમાં છાટવાની ઝેરી દવા ગટગટાવી લેતાં ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન યશનું મોત થતાં આ મામલે ચર્ચાસ્પદ બન્યો હોય, જે બાદ આ મામલે આજરોજ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ 108, 115(2), 351(2), 351(3), 54 મુજબ ગુનો નોંધાયો છે….


