વાંકાનેર શહેરમાં લારી-ગલ્લા તથા અનધિકૃત દબાણોના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની ગઈ છે. ખાસ કરીને નવાપરા વિસ્તારમાં વાસુકી દાદાના મંદિર આસપાસના માર્ગ પર લારી-ગલ્લા, દુકાનો તથા ફૂટપાથ પરના દબાણોને કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી પડી રહી હોય, ત્યારે આ સ્થિતિને ધ્યાને લઈ વાંકાનેર નગરપાલિકા તંત્રએ ગઇકાલે કડક પગલાં લીધાં હતાં. જેમાં અગાઉ દબાણો દુર કરવાની નોટિસ બાદ પાલિકાના દબાણ હટાવ દળે સ્થળ પર પહોંચી ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અનેક લારી-ગલ્લા અને દબાણોને દૂર કર્યા હતા. આ કાર્યવાહીને પગલે સ્થાનિક અનેક વેપારીઓના ધંધા બંધ થઈ ગયા હતા…


શહેરના નાગરિકોએ આ કાર્યવાહીને આવકારવાની સાથે જ એવી પણ માંગણી વ્યક્ત કરી છે કે, વાસુકી દાદા મંદિર વિસ્તાર સિવાય શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ મોટા પ્રમાણમાં બેફામ દબાણો ખડકાયેલા છે. જો પાલિકા તંત્ર દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ સમાન રીતે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવે, તો વાંકાનેર શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બની શકે અને નાગરિકોને રાહત મળશે…



