લાલપર નજીક સર્જાયો ભયાનક ત્રિપલ અકસ્માત : પતિ અને પુત્રનો આબાદ બચાવ, જ્યારે મહિલાનું મોત….
મોરબી-વાંકાનેર હાઈવે પર આજરોજ રવિવારે લાલપર નજીક ભયાનક ત્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં વાંકાનેરથી ધાંગધ્રા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતાં પરિવારની કાર લાલપર નજીક બે ડમ્પર વચ્ચે આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં કારનો બુકડો બોલી જતાં કારમાં સવાર પરિવારની મહિલાનું મોત થયું હતું, જ્યારે પતિ અને પુત્રનો આબાદ બચાવ થયો હોવાની વિગતો મળી રહી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ પ્રવિણભાઇ રાવલ (ઉ.વ. ૩૬) તેમના પત્ની ધારાબેન તથા છ વર્ષિય પુત્ર નિલ સાથે પોતાની કારમાં આજરોજ રવિવારે ધાંગધ્રાના કંકાવટી ગામે રાવલ પરિવારના માતાજીના પાટોત્સવમાં હાજરી આપવા માટે જતાં હોય ત્યારે વાંકાનેર-મોરબી હાઇવે પર લાલપર નજીક ગોલ્ડ સિરામિક સામે બે ડમ્પર વચ્ચે કારનો અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેમાં ધારાબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત થયું હતું, જ્યારે ભાવિનભાઈને સામાન્ય ઇજા તથા પુત્ર નિલનો આબાદ બચાવ થયો હતો….



