વાંકાનેર શહેરમાં બંધન બેન્કમાં નોકરી કરતા કર્મચારી દ્વારા શહેરની સ્વપ્નલોક સોસાયટીમાં બેંક દ્વારા ભાડે રાખવામાં આવેલ મકાનમાં રહી બેંકમાં નોકરી કરવામાં આવતી હોય, જેમાં થોડા સમય પહેલા મકાનમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ શોક લાગવાથી યુવાનનું મોત થયું હોય, જે બનાવમાં મકાન ભાડે આપી વિજ વાયરીંગમાં ફોલ્ટ રાખી બેદરકારી દાખવનાર મકાન માલિક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જયેશભાઇ રાજુભાઈ રાતડીયા (ઉ.વ. ૨૬, રહે. સુરેન્દ્રનગર)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી અજીઝખાન સરવલખાન પઠાણ (રહે. મીલ કોલોની, વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આ બનાવમાં આરોપીએ વાંકાનેર શહેરની સ્વપ્નલોક સોસાયટીમાં આવેલ પોતાના રહેણાંક મકાનને બંધન બેન્ક સાથે ભાડા કરાર કરી કર્મચારીઓના ક્વાર્ટર તરીકે આપેલ હોય, જેમાં ફરિયાદીના નાનાભાઈ હાર્દિકભાઈ રાતડીયા અહીં રહી બંધન બેન્કમાં નોકરી કરતા હોય, જેમાં ગત તા. ૧૬/૦૬/૨૫ ના રોજ બેંકની નોકરી પુરી કરી ઘરે આવી પાણીની મોટર ચાલુ કરવા જતા વિજ શોક લાગવાથી હાર્દિકભાઈનું મોત થયું હોય, જે બનાવમાં મકાન માલિક દ્વારા મકાનમાં વાયરીંગ બરોબર ન હોય અને કોઈ સલામતી ના સાધનો સ્વીચો રાખવામાં આવેલ ન હોય છતાં બંધન બેન્ક સાથે ભાડા કરાર કરી મકાન ભાડે આપી બેદરકારી દાખવેલ હોય, જેથી આ બનાવમાં મકાન માલિક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે….



