વાંકાનેર શહેર નજીક નવાપરા ખાતે વાસુકી મંદિર સામે રોડ પર ગત મોડી રાત્રીના સામાન્ય બાબતમાં યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બન્યો હોય જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાયો હતો. ત્યારે આ મામલે આજરોજ મંગળવારે સવારે ૧૧ વાગે મૃતક યુવાનના પરિવારજનો અને સ્થાનિક નાગરિકો દ્વારા તમામ આરોપીઓને સ્થળ પર લાવી જાહેરમાં સરભરા કરવાની માંગ સાથે વાંકાનેર-મોરબી હાઇવે પર ચક્કાજામ સર્જ્યો હતો, જેના કારણે દિવાળીના તહેવારો દરમિયાન રજાનાં માહોલમાં સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી…..

આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા લાંબી સમજાવટ બાદ પણ સ્થાનિક નાગરિકો ચક્કાજામ હટાવવા માટે તૈયાર ન થતાં બનાવની ગંભીરતા સમજી સ્થળ પર સમગ્ર મોરબી જિલ્લાની પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા, જેમાં સમય જતા પરિસ્થિતિ કંટ્રોલ બહાર જવાની ભિતી વધતા પોલીસ દ્વારા સામાજિક તથા રાજકીય આગેવાનોની મદદથી સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રણ કલાકની મહેનત બાદ અંતે સ્થાનિક લોકો ચક્કાજામ હટાવી લેવા તૈયાર થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો..…

ચક્કાજામ હટ્યા બાદ એક કલાક કરતાં વધારેની મહેનતના અંતે ટ્રાફિક નિયમન બાદ વાહનવ્યવહાર હાલ પુર્વરત થયો છે. આ સાથે જ પરિવારજનો દ્વારા આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી મળ્યા બાદ પુત્ર વિયોગની હૈયાવરાળને શાંત કરી હતી….



