
મોમીન મુસ્લિમ સમાજના સરકારી નોકરી મેળવનાર કર્મચારીઓ અને વિશેષ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓને પણ આપવામાં આવ્યા શિલ્ડ સર્ટિફિકેટ….

ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગેલેક્સી ક્રેડિટ કો.ઓ. સોસાયટી દ્વારા છેલ્લા 20 વર્ષથી વાંકાનેર પંથકમાં શ્રેષ્ઠ શૈક્ષણિક તથા સામાજિક સિદ્ધિઓ મેળવનાર પ્રતિભાઓને સન્માનિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા હોય, ત્યારે ગઇકાલ રવિવારે ગેલેક્સી હોલ ખાતે 20 માં ગેલેક્સી એવોર્ડ ફંકશન-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમાજના 250થી વધારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, સરકારી નોકરી મેળવનાર કર્મચારીઓ તથા વિશેષ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓને પણ માનપત્ર અને સન્માનચિહ્ન આપી સન્માનિત કરાયા હતા…


આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ઉપસ્થિત પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા તથા અધ્યક્ષ ઈરફાન પીરઝાદા સહિતના અતિથિઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મોમિન સમાજના યુવાનો સતત શિક્ષણ અને મહેનતના માર્ગે આગળ વધી રહ્યા છે, જે આખા સમાજ માટે ગૌરવની બાબત છે. આ તકે કાર્યક્રમમાં સમાજના આગેવાનો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર પંથકમાં “ગેલેક્સી એવોર્ડ ફંકશન” છેલ્લા બે દાયકાથી પ્રતિભા પ્રોત્સાહન માટેનું અગ્રણી મંચ બની રહ્યું છે. આ વર્ષે પ્રથમ વખત ગેલેક્સી ગ્રુપ દ્વારા સન્માનિત તમામ પ્રતિભાશાળીઓની બુકલેટનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું…



