એક લાખ રોકડા અને 25 હજારના ચાંદીના સિક્કા સાથે આરોપી ઝડપાયો….
મોરબી શહેર તેમજ વાંકાનેર તાલુકામાં છેલ્લા બે વર્ષમાં અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના બનાવમાં સંડોવાયેલ તસ્કર હાલમાં મોરબી આવ્યો હોવાની ચોક્કસ બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે મણીમંદિર નજીકથી ઝડપી પાડી પૂછતાછ કરતા આરોપીએ ત્રણ ચોરીની કબુલાત આપી સવા લાખનો મુદ્દામાલ કાઢી આપ્યો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી શહેરમાં તેમજ વાંકાનેરમાં ત્રણ ઘરફોડ ચોરી કરનાર આરોપી હાલમાં મોરબીના બેઠા પુલ નજીક મણીમંદિર પાસે છે, જેના આધારે દરોડો પાડી પોલીસે આરોપી અંકિત મહાદેવભાઈ વિકાણી (રહે.હાલ ગોંડલ ચોકડી, રાજકોટ, મૂળ રહે.નસીતપર તા.ટંકારા)ને ઝડપી પાડી તલાશી લેતા આરોપી પાસેથી એક લાખની રોકડ રકમ તેમજ 25 હજારના ચાંદીના સિક્કા મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી….
આ બનાવમાં આરોપી અંકિતે પોલીસ સમક્ષ અગાઉ 2023મા મોરબીમાં એક તેમજ વર્ષ 2023-2024મા વાંકાનેરમાં અલગ અલગ બે ચોરી કરી હોવાની કબૂલાત આપતા હાલ સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો. આ રીઢો તસ્કર દિવસે રેકી કરી બંધ મકાન, કારખાના, ઓફીસ દુકાનોમા ચોરી કરતો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું…