વાંકાનેર પંથકમાં આગામી દિવસોમાં 1500માં જશ્ને ઈદે મિલાદુન્નબી તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી અનુસંધાને પીપળીયા રાજ સ્થિત દારૂલ ઉલૂમ ગૌષે સમદાની ખાતે પંથકના આગેવાનો તથા ઓલમાએ કિરામની મિટિંગ યોજાઇ હોય, જેમાં તહેવારની ઇસ્લામિક રીતી રીવાજ મુજબ ઉજવણી માટે પૈગામ આપવામાં આવ્યો હતો….
આ તકે પયગંબર સલ્લલ્લાહુ અલયહે વસલ્લમના જીવના 53 વર્ષ મક્કા શરીફના અને ત્યારબાદ હિજ૨તથી અત્યાર સુધી 1447 વર્ષ આમ કુલ 1500 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે પયગંબર સલ્લલ્લાહુ અલયહે વસલ્લમના જીવન ચરિત્રનો ઉલ્લેખ કરી તેમણે સમગ્ર વિશ્વને આપેલ સમાજમાં મહિલાને સમાન અધિકાર, માતા-પિતાનું મહત્વ, દિકરી વ્હાલનો દરિયો, બેટી બચાવો સહિતના સંદેશાઓને ખરા અર્થમાં સાર્થક કરી તહેવારની ઉજવણી એકતા અને ભાઇચારા સાથે કરવા આહવાન કર્યું હતું….
આ સાથે જ ઇદે મિલાદ સુધી દરેક ગામોમાં દરૂદ શરીફના ખતમ તથા મહેફીલે મિલાદના આયોજન કરવા, ઘર-ઓફિસ તથા ગલી મોહલ્લાને રોશનીથી સજાવવા, નબીના જીવનચરિત્રની રોજીંદા જીવનમાં અમલવારી કરવી, પાંચ વક્તની નમાઝ, યતીમ-વિધવા તથા ગરીબોને મદદ કરવી, જરૂરતમંદ સાદાતે કિરામ અને ઉલ્માઓની મદદ કરવી, શરીયતના દાયરામાં જુલુસ કાઢવાં, મહિલાઓને જુલુસમાં સામેલ ન કરવી, અન્ય નાગરિકોની લાગણી દુભાય તેવા કાર્યો ન કરવા સહિતની મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા…